સહિયારુ અભિયાન-પરીચય
"સમાજના શ્રેષ્ઠીઓ ટ્રસ્ટીપણાના ભાવથી વર્તશે, તો જ સમાજનો સર્વાંગી વિકાસ થશે."- મહાત્મા ગાંધી
આર્થિક અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે, એવી ચેતવણી સમાજશાસ્ત્રીઓ આપી રહ્યા છે. આ સંજોગોમાં, મધ્યમવર્ગના પરીવારો કે જેઓની આવક સિમિત છે, તેમની બાલાશ રાખવી એ સમયનો તકાજો છે. ટૂંકી આવકમાં ઘરખર્ચ, સમાજિક વ્યવહાર ખર્ચ, બાળકોના શિક્ષણનો ખર્ચ તથા માંદગીમાં સારવારના ખર્ચને પહોંચી વળવું કેટલાક માટે અશક્ય બનતું જાય છે. કેટલાક પરીવારોમાં કુપોષણ જોવા મળે છે.
સંકટગ્રસ્ત પરીવારોની વહારે જવાના પ્રયાસરૂપે સહિયારુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સહિયારુ હોવાથી આ આપણાં સૌનું છે.
જરૂરીયાતવાળા પરીવારોને પ્રથમ ચરણમાં વિના મૂલ્યે દર માસે અન્ન સંપુટ (ઘઉં, ચોખા, દાળ, ખાંડ, ગોળ, તેલ, મરચું તથા હળદર) આપવાનું માર્ચ-૨૦૧૦ થી શરૂ કરવામાં આવ્યું છે જે સેવા ઉદાર સખાવતોની સહાય વડે ચાલે છે.
આગળના ચરણમાં લાભાર્થીઓના સંતાનોને સારુ શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરવા વિચારવામાં આવ્યું છે જેથી સુશિક્ષિત સંતાનો આ પરીવારોને તેમની આર્થીક સંકડામણમાંથી બહાર કાઢી શકે. તે માટે સમાજસેવી સંસ્થાઓને કડીરૂપ સહાયક બનવા સહિયારુ અભિયાન આમંત્રણ આપે છે.
આવો, આપણે સૌ, એક બીજાના હાથમાં હાથ પરોવીને નવીન સંસ્કૃતિરૂપી સહાયકારી હાથોના ભવ્ય દ્વારમાંથી પસાર થઇએ અને આપણાંથી ઓછા ભાગ્યશાળી પરીવારોને અપનાવીએ, સમાજ પ્રત્યેનું ઋણ ફેડવા કંઇક કરી છૂટીએ. કોઇકના ઉત્કર્ષના સાક્ષી બનીએ. સંત શ્રી પૂનિત મહારાજે કહ્યું છે, "શાંતિ ક્યાંથી આવે ? તો ત્યાગ બધું સમજાવે."
મહાત્મા ગાંધી આપણાં પથદર્શક હો.
આપના સહકારની અપેક્ષા છે.
સહિયારુ અભિયાનના જય જલારામ.
પ્રતિજ્ઞા
"સહિયારુ અભિયાન" માં આવતા ભંડોળમાંથી ફક્ત અને ફક્ત લાભાર્થીઓની સહાય માટે જ ખર્ચ કરવામાં આવશે.
તમામ પ્રકારની સેવાઓ માનદ્ હશે.
સેવા કેરા કાર્યમાં માન કે અપમાન શું !
રહેશે એ ગર્વ અમ હૃદયે કે, રઘુવંશના સંતાન છીએ.